૭૬ થોડું મારું થોડું તારું / મનોહર ત્રિવેદી


થોડું મારું, થોડું તારા ઘરનું લે અજવાળું
એકલપંડે કેમ કરી અંધારાં પાછાં વાળું ?

તું ડેલીના ગોખેગોખે આવ, કોડિયાં મેલ
હું પણ અહીંથી દીવે દીવે પૂરું એમાં તેલ

તારા મન જેવું પ્હેલાં લે, આંગણ વાળીઝૂડી
શેરી ચોખ્ખીચણાક કરીને ફૂલ સરીખી રૂડી

અને આપણા બેઉ ઉમ્બરે કર તું લીંપણ, ચાલ
રંગોળીમાં હુંય ઉમેરું ટેરવડાંથી વ્હાલ

હૈયાંમાં ઝળહળી ઊઠશે ભીંત્યું ને પરસાળું....

ચારે બાજુ ફટાકડાઓની ફૂટે છે લૂમ
અંદરનો કોલાહલ એમાં કરી નાખીએ ગૂમ

સામે જે-જે મળે : આપણી હસી ઊઠે બે આંખ
હાથ મળે તો નખમાં ફરકે પતંગિયાંની પાંખ

કોઈના ભાગે અભાવ પીડા દુઃખ હશે જો લખિયાં
ઊતરડાયેલા એના ચહેરામાં ભરશું બખિયા

સાચવજે તું એક, હું બીજી પળ એની સંભાળું.
*
૨૨-૦૮-૨૦૦૮ / શુક્ર લીલા જન્મતિથિ