૮૦ ગિયો ગિયો તિ ગિયો / મનોહર ત્રિવેદી


ગિયો ગિયો તિ ગિયો હાથથી એક છોકરો ગિયો
જિયો જિયો મેં કહ્યું મનોમન : માટી થૈને જિયો

ફાટ્યાતૂટ્યા સગપણમાં ઘર નિત્ય થીંગડાં મૂકે
ઓળંગી ચાલ્યા ઉંબર તો કશું ન કહેવું ચૂકે :

નાનકડું ટીપું આ ક્યાંથી દરિયો આવો થિયો ?

ઘરની નહિ, આખા પંથકની ટૂંકી પડતી હદ
હવે મૂછને દોરે માપે દુનિયાભરનું કદ

રિયો રિયો ના આજ હવે તિ પોતામાં ના રિયો

કિયા શુકનમાં અડી ગૈ હશે પતંગિયાની પાંખ
કઈ છોળમાં ઝબકોળાઈ હશે બે કોરી આંખ

સુજાણ હો તો કિયો કે ઇણે રસ ચાખ્યો તિ કિયો ?
*
૦૫-૧૦-૨૦૦૮ / રવિ