૮૬ સહુનું સારું થાય / મનોહર ત્રિવેદી


સહુનું સારું થાય
સાચવીએ પોતાને કિન્તુ બીજા કેમ ભુલાય ?

કોઈ લથડતી ભીંત તાકતી સામા ઘરની ખડકી
ક્યાંથી ઊભી થશે ? –આપણી છાતી જરી ન થડકી

ટચલી આંગળીઓના ટેકે પર્વત પણ ઊંચકાય

સૂઝબૂઝથી એક વેંતના વાંસે પડતા છેદ
ફૂંક અડી, ના અડીને તૂટી સાત સૂરોની કેદ

એમ નકામી ચીજવસ્તુમાં પ્રાણ ફરી ફૂંકાય

અણોસરી આંખોમાં ટોયું ટીપું-ટીપું વ્હાલ
મૂરઝાતા મુખમાં મ્હોરે છે જુઓ, આવતી કાલ

લાંબો મારગ વાતવાતમાં મુકામ પર લઈ જાય
સહુનું સારું થાય
*

૧૩-૧૧-૨૦૦૯ / શુક્ર0 comments