૯૨ થાય કે એવું હોય / મનોહર ત્રિવેદી


થાય કે એવું હોય.....
- અને ના હોય તો એનું દુઃખ ના લાગે તોય....

થાકભર્યાં મારાં ચરણોનો આ મારગે વાળ્યો સોથ
ક્યાંક તો માથું ટેકવી શકું એટલી મળે ઓથ

કહું કોને કે પડખે બેસી, ઝરતાં મારાં લોચન લેજો લ્હોય....

: આવજો : કહી નીકળી જતાં વેણ ભલેને, દૂર
: કેમ છો ? : એવું ઝીલવા મારા કાન રહે આતુર

વેંત ભરીને છાંયડાસોતી ધોમબપોર આપજો મને ભોંય....

બચકીમાં મેં સાચવ્યું મારા જેવડું મારું તન
ગૂંચવાયેલા તાંતણા, ફાટેલ લૂગડાં જેવું મન

કોઈનાં મળે ટેરવાં, મળે હળવે ટાંકા ભરતી ઝીણી સોય....
થાય કે એવું હોય....
*

૧૩-૦૯-૨૦૧૦ / સોમ0 comments