૯૬ માનપુર* / મનોહર ત્રિવેદી


ઉતાવળે ને અડવાણા પગે
રતૂમડો સૂર્ય
તળેટીમાંથી ઊંચે જતા ઢાળ પર
હડી કાઢે

નીચે
આડે પડખે થયેલી નદી
છીછરી ઊબડખાબડ રિક્ત ને લજવાતી
એની કને
કોતર કેડી ઝાડીઝાંખરાં
થોડાં ઘાસનાં થૂમડાં
પંખીના આછોતરા સ્વર

આઘે આઘેના
ખેતરે આવ-જા કરે
ગાડામારગ
પથરાળ અડાબીડ
ક્યાંક અટકે અંતરિયાળ

ઘેટાંબકરાંનું વાઘુ નજીકથી પસાર થાય
ભરવાડની સિસોટીમાંથી ઊતરે ધૂસર સાંજ

સ્ત્રીઓની આછરતી જતી
બોલાશ
શંખનગારુંઝાલર
ચોરના ગોખેગોખે દીવા પેટાવે

ઘરોનાં
જાળિયાંમાંથી
આંખ માંડે
ચૂડીના રંગ જેવું
કથ્થાઈ અજવાળું

ધુમાડા
ચૂલેથી છાપરે ચડે
ને આભે અડે

વાસુ કરવા ગયેલા ખેડુના ગળેથી વહેતો
એકાદ દુહો – સળુકો
સીમે સૂતેલા અંધારાની ઊંઘ ઉડાડે

દંતકથાની
જર્જરિત ભીંત જાળવીને
ઊભેલી ગંગાદેરી

આ ટેકરી
માનપુરના માથા પરની પાઘડી
*

૧૯-૦૧-૧૯૯૯ / મંગળ
(ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલા માનપુર ગામની ટેકરી પર ‘ગંગોત્રી સંસ્કારતીર્થ’ નામે શિક્ષણસંકુલ છે. એના રહેવાસ દરમિયાન સ્ફુરેલી રચના)0 comments