34 - કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ / અખેગીતા (અખો)


રાગ ધન્યાશ્રી

સંત સંગત કરતાં વિલંબ ન કીજેજી, જેમ તેમ કરીને હરિરસ પીજેજી;
મહાજન સંગે કારજ સીજેજી, વસ્તુ-રૂપ થઇને તો જીવીજેજી

પૂર્વછાયા

વસ્તુ-રૂપે થઇ જીવિયે, તે કળા જાણે મહંત;
તત્વ સઘળાં એમ દીસે, જેમ પટરૂપે તંત. ૧

જેમ છીપને રત ખરી ઉપજે, તો ઉપર આવે જળમાંહેથી;
સુરત્યનો તાણ્યો તે પરજન્ય, આવી વરસે ક્યાંહેથી. ૨

તેહનાં મુખ વિકસી રહે, લેવા કાજે બિંદુને;
તો મુક્તાફળ નીપજે મનોહત, પામે નિજ આનંદને. ૩

જે મેહેરામણથી બહાર નાવે, તેતાં ઠાલી રહે ખરી;
તેમ હરિ ગુરુ સંતને જે ન સેવે, તે ન પામે નિશ્ચે હરિ. ૪

તેજ વૃષાનાં બિંદુ બીજાં, પડે અહિના મુખવિષે;
તેહ હલાહલ થઇ નીવડે, તેણે મૃત્યુ પામે જે કો ભખે. ૫

સંત-ચન તે કહે યથારથ, વાંકું ગૃહે ખલબુધવડે;
પાત્રયોગે ભલો ભુંડો, ક્ષેત્રનો વહેરો પડે. ૬

નિર્મલ બુધે સંત સેવીયે, તો ઉપજે નિર્મલ જ્ઞાન;
મનસા વાચા કર્મણાએ, રાખો હરિ વિષે ધ્યાન. ૭

જેમ કુંઝી મૂકે ઈંડાંને, તે દૂર જઇ ચારો કરે;
તેની સુરત્ય રહે માંહોમાંહે, તો અપત્ય ત્યાંથી ઉછરે. ૮

વણસેવે સેવાય બાલક, જેને કૃપા આવે ગુરુ તણી,
તેમ સુલક્ષણાને મળે શ્રીહરિ, તેનું મન રહે ગુરૂચરણભણી. ૯

કહે અખો સહુકો સાંભળો, એ કહ્યું છે બુધ્ધવંતને;
જે સુણતામાંહે ઝડપે વચનને, તે સેવે હરિ-ગુરુ-સંતને ૧૦

૧. વસ્તુ-રૂપ = બ્રહ્મરૂપ
૨. જીવીજેજી = જીવીએ
૩. પટરૂપે = લૂગડારૂપે
૪. તંત = તાંતણા
૫. સુરત્યનો = મનોવૃત્તિનો
૬. વિકસી = ફાડી
૭. મુક્તાફળ = મોતી
૮. મેહેરામણથી = સમુદ્રમાંથી
૯. વૃષાનાં = વરસાદના
૧૦. અહિના = સર્પના
૧૧. હલાહલ = આકરૂં ઝેર
૧૨. ખલબુધવડે = અવળી બુધ્ધિ વડે
૧૩. કુંઝી = કુંઝડી
૧૪. વણસેવે = સેવ્યા વિના


0 comments


Leave comment