૧૨૩ કલાપીની કવિતામાંથી પસાર થતાં / મનોહર ત્રિવેદી


આ છે
એ જ લાઠી નામનું તારું નગર
એ જ રસ્તા, એ જ ચૌટા
ગોખજાળીદ્વાર દરવાજા અહીં
જાણું છું કે
એ સગડ –
પગરવ
કદી આ ધૂળમાં મળશે નહીં

જ્યાં જુઓ ચારે તરફ
બસ,
ચીસ
ભડભડ ચેહ છે
ના કલાપી
ના અષાઢી મેહ છે

હું માત્ર આંસુ લ્હોઉં છું
કૈંક વિધવા બહેન બાબાંને રઝળતી જોઉં છું
જોઉં છું અડચણ-ભરેલા રાહ પર
કોણ ચંદનલેપ લીંપી જાય
એની રુગ્ણ-પીડિત આહ પર

કોઈ કન્યા પાતળી
અંધાર
રાત્રિ
આગિયાં
અજવાસ
અમૃત-ઝેર

તું
મ્હેલ
ઉપવન
દાસ-દાસી
લોકલજ્જા
અન્તમાં –
તારા વગરનું શ્હેર

તું
તું સ્મશાનો ઢૂંઢનારો
એક જોગી ને જતિ
શી રમા ને શોભનામાં
તે છતાં તારી રતી !

આંગણાની ડાળ વચ્ચેથી ગળાઈ આવતા
મીઠા અજાણ્યા ગીતને
મૂંગો-મૂંગો પીધા કરું
જ્યાં મળે સૌંદર્ય ત્યાં
સૌંદર્ય થૈ
હું જાતને પામ્યા કરું

ઝાડમાં
પંખી લપાયેલ જોઈ
જેણે ઘા કર્યો
કેમ એની છાતીમાં ચિત્કારમાં લઈને
ના અરે, પાછો ફર્યો ?
શ્વાસમાં કૈં ફાળ પણ પડતી નથી
એટલે એને પછી
પોતાપણાની ભાળ પણ મળતી નથી

રાજકન્યા, વીણા સંગે કલાભોગી મળે મૃગ
ત્રણેને પારખે, કિન્તુ હોય જો કવિનાં દ્રગ.
*

હેમન્તના સુરખી-ભરેલા સૂર્ય પર
હુંફાળવા તડકા મહીં વ્હેતા પવન પર
સ્વચ્છ ભૂરા નભ વિષે ઊડી જતી શુકપંક્તિ પર
સત્વ ને વૃદ્ધત્વથી એ શોભતા દામ્પત્ય પર
કોઈ યુવા ચક્ષુનાં ઔદાર્ય – પશ્ચાત્તાપ ને સચ્ચાઈ પર

જ્યાં-જ્યાં ફરે મારી નજર
ત્યાં-ત્યાં નિશાની આપની....

પારકી પીડાથી હૈયું
જેમનું જાતું દ્રવી
એમના હૈયે વસેલા જોઉં તમને
હું નિરંતર
હે કવિ !
હે રાજવી !
*

૨૨-૧૨-૨૦૦૪ / બુધ0 comments