1 - એકરૂપ - પ્રસ્તાવના / જીતેન્દ્ર તલાવિયા


અતલમાંથી સકલમાં

કવિશ્રી હરજીવન દાફડાને ગઝલો હૈયાવગી છે. તેમની ગઝલોમાં સંવેદન ઘૂંટાઈને આવે છે અને ભાવકના હૃદયને ઝણઝણાવે છે. તેઓ ખુમારીપૂર્વક કહે છે :

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.

કવિશ્રી હરજીવન દાફડાનું વ્યક્તિત્વ ભગવા રંગે રંગાયેલું છે. તેથી તેમની ગઝલોમાં સહજપણે આ રંગ ઓગળીને આવે છે.

ક્યાં યે, કશું યે શોધવા જેવું નથી,
સઘળું સતત રમમાણ મારામાં જ છે.

આનો અર્થ એવો નથી કે તેઓની કલમ માત્ર ભગવા રંગની ગઝલોમાં જ વિહરે છે. તેમણે જીવનને પૂરેપૂરું જાણ્યું છે, માણ્યું છે ને તેમ છતાં જીવન પ્રત્યે એક તટસ્થતા કેળવી શક્યા છે. એક પ્રેક્ષકની જેમ જીવન-નાટકના અંકોને નિહાળી શક્યા છે. આની પ્રતીતિ આ પંક્તિઓમાંથી મળે છે.

કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તો યે ન પૂરો પ્રેમ સમજાયો.

તેઓશ્રીનો પ્રથમ ગઝલસંગ્રહ ‘એકરૂપ’ પ્રકાશિત કરવાનો યશ “ટેક”ને મળે છે. આ અવસર હૃદયનાં ઉમંગથી વધાવું છું. અમને ગૌરવ છે કે ‘એકરૂપ’ દ્રારા એક ઉત્તમ કવિની ઉત્તમ ગઝલો સૌ સુધી પહોંચાડવામાં અમે નિમિત્ત બન્યા છીએ. અને શ્રદ્ધા છે કે ‘એકરૂપ’ વાંચ્યા પછી મને ગમતા આ કવિ તમોને પણ ગમતા થઇ જશે.

- જીતેન્દ્ર તલાવિયા0 comments


Leave comment