2 - એકરૂપ - આવકાર / હર્ષદ ચંદારાણા


પ્રિય હરજીવનભાઈ,

પ્રકાશિત થનારા તમારા પ્રથમ ગઝલસંગ્રહ ‘એકરૂપ’ની હસ્તપ્રતનાં પાનાં મારી સામે વીખરાયેલાં પડ્યાં છે. આ પાનેપાનામાંથી ઉદભવતી સંવેદનની સચ્ચાઈની સુગંધ મને ઘેરી વળે છે, મને ડોલાવે છે. આ ગઝલોમાં તમે નિપજાવેલી પોતીકી ભાષા, અજાણ્યા પંખીના કલરવની જેમ મને આકર્ષી રહી છે પરંતુ એ પંખી નામ આપવા જેટલું પરિચિત થઇ શકતું નથી, તમારે હજુ તેને વધુ ઉજાગર કરવું પડશે.

ગુજરાતી કવિતામાં ગઝલ - પ્રાચુર્યનો યુગ છે. ત્યારે ‘એકરૂપ’નાં ઉમેરાની પ્રસ્તુતતા કેટલી તેવો પ્રશ્ન સ્હેજે થાય. પ્રથમ સંગ્રહ આપતા કવિમાં વિરલ તેવી પ્રૌઢી, ઊંડાણ અને ગઝલિયત લઈને તમે ‘એકરૂપ’માં આવ્યા છો તેથી મને લાગે છે કે આ પ્રશ્નનો છેદ ઊડી જાય છે.

‘એકરૂપ’ને હૃદયપૂર્વક આવકારું છું અને તમારી કલમ ઉત્તરોત્તર વધુને વધુ નિખરે તેમજ તમો અનેક અનેરી ગઝલોથી ગુજરાતી ગિરાને રળિયાત કરો તેવી શુભેચ્છા છે. વિરામ લેતી કલમે ભાઈ, કહેવાનું કે

કેદી હતા કોઈ કમલમાં તું અને તારી ગઝલ
સૂરજ ઊગ્યો ને મુક્ત પલમાં તું અને તારી ગઝલ
સીધી, સરલ, ભગવી, અસલ આ ગૂંજતી વાણી વડે
વ્યાપી ગયા પલમાં સકલમાં તું અને તારી ગઝલ


- હર્ષદ ચંદારાણા
અમરેલી ૨૭-૦૨-૨૦૦૪


0 comments


Leave comment