4 - અભ્યંતર હતું / હરજીવન દાફડા


માત્ર અડધી વેંતનું અંતર હતું,
તોય ના દેખાય શું ભીતર હતું

એ જગા શોધી રહ્યું છે મન હજી,
જ્યાં પળેપળ વાગતું જંતર હતું

આજ પણ ના જઈ શકાયું એ તરફ,
જે દિશાએ આપણું ખેતર હતું

શ્વાસ આપી કોણ લઇ લેતું પરત?
એ જ કૌતુક જન્મ-જન્માંતર હતું

શોધ નાહક આદરી ચારે તરફ,
આપણું રહેઠાણ અભ્યંતર હતું.


0 comments


Leave comment