8 - અગમ મુસાફર / હરજીવન દાફડા


બહાર - અંદર પવન સ્વરૂપે ફર્યા કરે છે,
અગમ મુસાફર મને અચંબે ભર્યા કરે છે.

ન કોઈ દેખે, ન કોઈ પેખે ચહલ - પહલને,
સકળ નિરંતર અવરજવર એ કર્યા કરે છે.

ચિતાર આપી શકાય એવું સ્વરૂપ છે ક્યાં ?
પળેપળે એ અનેક રૂપો ધર્યા કરે છે.

સહેજ સ્પર્શી શકું એ માટે મથી રહ્યો છું,
અને એ મારી સમજ લગોલગ સર્યા કરે છે.

કદીક નજરે ચડે તો ભાંગી શકાય ભ્રમણા,
તલાશ સચરાચરે આ નયનો કર્યા કરે છે.


0 comments


Leave comment