10 - વિચ્છેદ ના કર / હરજીવન દાફડા


બધી વાતનો આમ વિચ્છેદ ના કર,
પ્રસંગે પ્રસંગે રજૂ ખેદ ના કર.

વિહરવા દે એની રીતે મોકળાશે,
ચણી ચાર ભીંતો કશું કેદ ના કર.

પહોંચે થડે એ રીતે કર પ્રહારો,
ત્વચા પર નકામો તું પ્રસ્વેદ ના કર.

‘અહં બ્રહ્મ’નો અર્થ જાણ્યા પછીયે,
કરી પ્રાર્થનાઓ પ્રગટ ભેદ ના કર.

હવાલે કરી છે મેં આખી હયાતી,
પીડા ઊપજે એ રીતે છેદ ના કર.


0 comments


Leave comment