12 - તને મળવા મથું છું / હરજીવન દાફડાઅહીં થોડુંક ઝળહળવા મથું છું,
હે, તેજોમય ! તને મળવા મથું છું.

નહીંતર આમ કણકણમાં ન શોધું,
તને તલભાર પણ કળવા મથું છું.

પરસ્પરની કડી તૂટી ગઈ છે,
ફરીથી એને સાંકળવા મથું છું.

સતત અટકાવ ના ઉંબર વચોવચ,
તિમિર -ઘરમાંથી નીકળવા મથું છું.

બજે છે ઝાલરી ઊંડે અતલમાં,
નયન મીંચીને સાંભળવા મથું છું. 


0 comments


Leave comment