16 - મોભો બુલંદ છે / હરજીવન દાફડા


મારા લિબાસનો હજી મોભો બુલંદ છે,
પહેલા સમો અવાજમાં પડઘો બુલંદ છે.

ધરતીના અંગ-અંગને બાળું છું આજ પણ,
હું સૂર્ય છું ને સૂર્યનો તડકો બુલંદ છે.

ખખડી ગયું છે ખોળિયું એનોય ગામ નથી,
અંદર હજીય ચાલતો થડકો બુલંદ છે.

મળવું હશે તો આપને ચોક્કસ મળી લઈશ,
વચ્ચે ભલેને વિઘ્નનો પડદો બુલંદ છે.

કોઈ પહાડ પણ હવે રોકી નહીં શકે,
એ બાજુ પગને દોરતો રસ્તો બુલંદ છે.


0 comments


Leave comment