18 - ટેવવશ / હરજીવન દાફડા


વાળમાં હાથ ફરતો રહ્યો ટેવવશ,
જીવ ચોમેર ચરતો રહ્યો ટેવવશ.

મોતી એકેય આવ્યું નહીં હાથમાં,
તું કિનારે જ તરતો રહ્યો ટેવવશ.

ધ્યાન ક્યારેય દીધું નહીં નાભિએ,
બસ, હરણફાળ ભરતો રહ્યો ટેવવશ.

આભનો દોષ તલભાર એમાં નથી,
આવ-જા સૂર્ય કરતો રહ્યો ટેવવશ.

બહાર-ભીતર બધું એકરૂપ હોય છે,
ભેદ શું કામ કરતો રહ્યો ટેવવશ?


0 comments


Leave comment