19 - કેમ સમજાયો ! / હરજીવન દાફડાકોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.

જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.

સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો !

તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.

યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !


0 comments


Leave comment