25 - કાંઈ થૈ શકતું નથી / હરજીવન દાફડા


આંખમાં અંગાર છે ને કાંઈ થૈ શકતું નથી,
આદમી ઝૂંઝાર છે ને કાંઈ થૈ શકતું નથી.

ઢાલ ને તલવાર, બખતર, સાથમાં ભાલોય છે,
અશ્વ પાણીદાર છે ને કાંઈ થૈ શકતું નથી.

એક શિલ્પી પથ્થરોમાં પ્રાણને તાગ્યા કરે,
અવનવાં ઓજાર છે ને કાંઈ થૈ શકતું નથી.

મેઘલી રાતે મશાલી જંગલે ઝૂઝી રહ્યો,
આકરો અંધાર છે ને કાંઈ થૈ શકતું નથી.

લાગણી, કાગળ, કલમ ને ખૂબ સુંદર અક્ષરો,
શબ્દની વણજાર છે ને કાંઈ થૈ શકતું નથી.


0 comments


Leave comment