27 - ક્યાં જીવી શકાય છે ? / હરજીવન દાફડા


ચોમેર ધોધમાર ક્યાં જીવી શકાય છે ?
જીવ્યા સમું ધરાર ક્યાં જીવી શકાય છે ?

ચીરાય કાળમીંઢ અહંકારની ત્વચા,
એવું તો ધારદાર ક્યાં જીવી શકાય છે ?

ચીજો ઘણી ઉધાર મળે છે બજારમાં,
જીવન કદી ઉધાર ક્યાં જીવી શકાય છે ?

પ્રતિકારની ભાષા હવે શીખી ગયા છીએ,
વેઠ્યા કરી પ્રહાર ક્યાં જીવી શકાય છે ?

અંતે તો એની જાળમાં આવી જવું પડ્યું,
કાયમ અહીં ફરાર ક્યાં જીવી શકાય છે ?


0 comments


Leave comment