28 - જો તો ખરો / હરજીવન દાફડા


તેલ જો, તેલની ધાર જો તો ખરો,
આંખ ઊંચી કરી યાર જો તો ખરો.

ક્યાંય મનમાં છરી કેમ ખૂંપી નહીં ?
બુઠ્ઠી છે કે અણીદાર જો તો ખરો.

પાછલા બારણેથી પ્રવેશી ગયો,
ભીતરે કેમ અંધાર જો તો ખરો !

પાંપણો ચોળવી છે હજી ક્યાં લગી ?
બાર વાગી ગયા, બહાર જો તો ખરો.

રોજ બળતો ગઝલનો ધૂણો રાખજે,
ઠેરનો ઠેર છે ઠાર જો તો ખરો.


0 comments


Leave comment