30 - અમે / હરજીવન દાફડા


ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.

ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.

નિખાલસ એક ચહેરો કેટલુંય કરગર્યો તોયે,
અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા.

છૂપાવી ના શક્યા કોઈ રીતે વિકલાંગ માનસને,
અકારણ આંખ સામેના અરીસા ફોડવા લાગ્યા.


0 comments


Leave comment