1 - મારી વાત / ગરાસ / નીરજ મહેતા


વાંચન સભાનપણે ચોથા ધોરણથી શરૂ થયું. જો કે કવિતાઓમાં રસ પહેલા ધોરણથી જ પડવા મંડેલો. પહેલી બે પંક્તિઓ કાનજી ભૂટા બારોટના એક દૂહાનો સાદી ભાષામાં અનુવાદ. પછી અંતર ડંખ્યું અને ‘આ આપણું કામ નહિ’ વિચારી બધું કોરાણે મૂક્યું. પણ કોલેજના નોટીસબોર્ડ પર જેવીતેવી રચનાઓ વાંચી થયું કે આનાથી સારું તો હું કરી શકું. આમ કલમ હાથમાં આવી.

ઘણું બધું લખ્યા બાદ શ્રી હરજીવન દાફડા પાસેથી જાણવા મળ્યું કે છંદમાં લખાય. અમુક રચનાઓ નેચરલી રમલમાં ઊતરી આવેલી પણ તેમણે કહ્યું એ પૂરતું નથી. છંદ શીખવાની ધગશ થઇ તો રસ્તાઓ આપોઆપ ખૂલી ગયા. ગુજરાતીમાં સામાન્ય રીતે ખેડાતા કે ન ખેડાતા છંદો આત્મસાત થતા ગયા અને કાગળ પર ઊતરતા રહ્યા. પછી મારી પ્રથમ વાચક અને મિત્ર (હવે પત્ની) ભૂમિકાએ આ રચનાઓ ક્યાંક મોકલવી જોઇએ એવી ટકોર કરી. મોકલી, છપાઇ અને ઉત્સાહ વધ્યો. જામનગર, રાજકોટ અને પછી તો ભારતભરના અનેક કવિમિત્રો-વડીલો મળતા ગયા અને સાથેસાથે હિન્દી ઉર્દૂમાં પણ કલમ ચાલતી ગઇ. (મારા પરિવાર ઉપરાંત એ સૌનો પણ મારા વિકાસમાં ફાળો છે.) ગીત, ગઝલ, અછાંદસ, મોનો ઇમેજ એવું ઘણું મળ્યું. ક્યારેક કુતૂહલવશ સોનૅટ, વિલાનેલ, ટ્રાયોલેટમાં પણ લટાર મારી. પણ મુખ્યત્વે ગઝલ અને ગીત મને અને એમને હું સવિશેષ ફાવ્યા. પણ જ્યારે પ્રથમ પુસ્તકનો વિચાર કર્યો તો ગઝલ જ સામે આવી. 81 ગઝલોનો ગરાસ લઇ આપની સમક્ષ ઉપસ્થિત છું. આશા છે આપને પણ ગમશે.

6 ઓક્ટોબર, 2014


0 comments


Leave comment