2 - ગઝલનો આગવો ગરાસ / પ્રસ્તાવના / ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’


ગુજરાતી સાહિત્યમાં ગઝલ કાવ્યપ્રકાર ફારસી-ઉર્દૂના ભાષાના માધ્યમથી પ્રવેશ્યો હોવા છતાં આજે સર્વાંગ ગુજરાતી બન્યો છે તે જ આ સ્વરૂપની લોકપ્રિયતા સૂચવે છે. ગુજરાતીમાં ગઝલના અવતરણને લગભગ સવાસોથી દોઢસો વરસો થઈ ગયા હોવા છતાં આજે પણ ગઝલનું સ્વરૂપ કવિએ કવિએ અલગ જોવા મળે છે, તે જ આ ગઝલની વિશેષતા છે. શૈલીભેદને લીધે ક્યાંક તે પરિપક્વ છે તો ક્યાંક મુગ્ધ. આ કારણે ગઝલકારોમાં પણ બે ફાંટા સ્પષ્ટ વર્તાઈ આવે છે. ‘એક તો મુશાયરાપ્રવૃત્તિથી અંજાતો ગઝલકાર અને બીજો શુદ્ધ સાહિત્યિકપ્રવૃત્તિથી મંજાતો ગઝલકાર.’ આ બંને ફાંટાથી ગઝલને જ ફાયદો છે અને નુકસાન પણ. વળી, સમયાંતરે સાહિત્યમાં કવિઓની આવંજાવન સાથે સ્વરૂપ વિકસતું રહે છે. એક સમય એવો હતો કે શિષ્ટ સાહિત્યકારોને ગઝલના નામથી સૂગ હતી અને એટલે જ તેમણે ગઝલ લખનારા કવિઓને ‘કવિ’ ન કહેતાં ‘ગઝલકાર’ એવી અલગ ઓળખાણ આપી. આજે સહુ કોઇને ગઝલની એવી લગની લાગી છે કે મોટા ભાગે દરેક નવોદિત કવિ ગઝલની ગોદડીમાં જ કવિતાના શ્વાસ લે છે.

જેમ લોકપ્રિયતા સ્વરૂપના વિકાસમાં ભાગ ભજવે છે તેમ અતિ લોકપ્રિયતા રકાસમાં. કવિતામાં કાવ્યતત્વ અનિવાર્ય છે એમ ગઝલમાં શેરિયત જરૂરી છે, પરંતુ આજે ગઝલની અતિ લોકપ્રિયતાને લીધે શેરિયત સિવાયના તમામ પાસાં ગઝલમાં જોવા મળે છે, જે રકાસની નિશાની છે. શેરિયત ગઝલનો પ્રાણ છે. એના વિના ગઝલ માત્ર રદ્દીફ કાફિયાના છાંદિક હાડપિંજરથી વિશેષ કશું નથી. વળી, અગઝલકારોનું ટોળું છડેચોક ગઝલનું ચીરહરણ કરે છે ત્યારે પળવાર નિરાશા સાંપડે છે, પણ જે થોડા મિત્રો તરફ ધ્યાન જતાં કવિતાવગું આશ્વાસન મળી જાય છે કે હજી ગઝલની લાજ રહી જશે. એમાંના એક તે ડૉ. નીરજ મહેતા.

ક્રૌંચવધ છે આજ કી તાઝા ખબર
તોય રે! કવિતાવગું કૈં છે જ ક્યાં?

ડૉ. નીરજ મહેતાનો આ શેર ‘આજ કી તાઝા ખબર’ જેવા ચલણી શબ્દ અને ‘કવિતાવગું’ કાફિયા થકી કેટકેટલા વિચારો કરવા પ્રેરે છે. કવિતાવિશ્વની સાંપ્રત સ્થિતિનું ‘સ્ટેટસ’ બતાવતો આ શેર કવિની કવિતા પ્રત્યેની ચિંતાનું દ્યોતક છે. જે કવિ કાવ્યસર્જન વખતે બહારની બૂમો વચ્ચે ભીતરના અવાજને સાબૂત રાખી સર્જનરત રહે તે જ મંજાઈ શકે. આજે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના અનેક પ્રલોભનો હોવા છતાં કેટલાક મિત્રો શુદ્ધ કવિતાનો ભેખ લઈને કાવ્યકર્મ કરી રહ્યા છે એનો આનંદ છે. ડૉ. નીરજ મહેતા આવું જ એક નામ છે. ‘દ્રવ્યગુણવિજ્ઞાન’માં એમ.ડી. કર્યા બાદ હાલ સરકારી આયુર્વેદ કૉલેજ, જૂનાગઢ ખાતે ‘વિષતંત્ર અને વ્યવહાર આયુર્વેદ’ વિભાગમાં વડા તથા રીડર તરીકે તેઓ કાર્યરત છે. આજે બહુ ઓછા કવિઓ અભ્યાસ અને સર્જનની તુલામાં સમતોલ રહી શક્યા છે. ભાઈ નીરજ એમાંના એક છે. મોટા ભાગના શિષ્ટ સામયિકોમાં તેમની હાજરી જોવા મળી છે અને પ્રસંગોપાત સાંભળ્યા પણ છે. આ કવિની સર્જનમાટી અને લેખન પરિપાટી કંઈક હટકે છે.

સુખનવરની સભામાં લઇ ગઝલ અદકેરી આવ્યો છું
તખલ્લુસ તો નથી મારો જ હું નામેરી આવ્યો છું

પોતાની સર્જનપ્રક્રિયા વિશે આમ તેઓ કહી દે છે કે મારું કોઈ તખલ્લુસ જ નથી. પોતાના નામેરી જ હોવાની વાતનો સ્વીકાર કરતા આ કવિનો મિજાજ અનેક શેરમાં ખૂલે છે. કેટલાક માણીએ.

જીભ થોડી ખટમધુર, થોડીક તૂરી રાખવી
એમ થોડું છે? બધાની જી-હજૂરી રાખવી.
*
પ્રશ્નો નથી થતાં ને ! છે એ જ પ્રશ્ન મોટો
કિન્તુ, પરંતુ, પણ-નો આપો ગરાસ પાછો
*
દોષ કોને આપવો? મારી જ નાદાની હતી
જે કદી સાથે હતાં, આજે સ્મરણ થઇને રહ્યાં
*
ભલે ઘર વીછળી નાખો છતાં ના યાદ ધોવાશે
કણેકણમાં અમારપના કલાપો મૂકતા જાશું
*
કોઈના આંસુથી જેનાં ટેરવાં શોભ્યાં ન હો
હું નથી મળતો કદી પણ એવડા શ્રીમંતને
*
ક્યાંક શ્રદ્ધા પણ હશે ઘરના કોઇ ખૂણે હજુ
બારણા પર શ્રી-સવાથી એટલું સાબિત થયું

ગઝલને હંમેશાં ઇશ્ક-એ-મૌશિકીની સાથે સાથે ઇશ્ક-એ-હકીકી માફક આવી છે. આ કવિ પણ અનેક શેરમાં રહસ્યવાદ તાકવાની કોશિશો કરે છે. ક્યાંક ઇશ્ક-એ-અમામ સુધીની સફર પણ કરી આવે છે.

સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને
ત્યારથી પકડી શક્યો છું જિંદગીના તંતને
*
આમ જ્યાં-ત્યાં ન તારું શીશ નમાવ
આપણામાંય હોય સંત – વિચાર
*
આ તરફ કોઇ કરે પૂજા કરે અર્ચન કરે છે કોઇ સજદો એ તરફ
આ તરફ ગૂગળમાં ગચકાંબોળ છું ‘ને એ તરફથી હૂબહૂ લોબાન છું
*
ન સૂક્ષ્મ સૂક્ષ્મ રહે ન સ્થૂળ સ્થૂળ રહે
અસલ પિછાણ મળે પછી જવાય કશે
*
હું ચાકડો, માટી ‘ને ભાંગી જાય છે તે હું જ છું
જે નાશ પામ્યો હું જ છું, સરજાય છે તે હું જ છું
*
સ્વયંમાં ગોથું લગાવ મિતવા
મટે બધી આવજાવ મિતવા
*
દેહથી સૌને ભલે અહીંયાં જ દેખાતાં છતાં
એક બીજા વિશ્વમાં પણ હોઈએ એ શક્ય છે
*
પાને પાને ખાલી જગ્યા
જીવન યાને ખાલી જગ્યા
*
કેટલી તક આપણામાં હોય છે
એક બાળક આપણામાં હોય છે

અનુઆધુનિક ગઝલની વિશેષતા તેની ભાષા છે. આ ભાષા જ તેની મર્યાદા પણ બને છે. બોલચાલમાં પ્રચલિત એવા અંગ્રેજી શબ્દોનો મોહ કવિ પ્રયોગ માટે કરે છે. ક્યાંક પ્રયોગ સફળ થાય છે, તો ક્યાંક માત્ર પ્રયોગ જ બની રહે છે.

છે બધું PERFECT, ULTIMATELY
તોય છે DEFECT, ULTIMATELY
*
મારી ઉર્મિનો ઉમળકો મોકલવા દે મારી રીતે
તું ક્લિક કરી ઈ-મેઇલ કરે હલકારામાં હું માનું છું

પ્રયોગ માટે આ કવિ ક્યાંક ટૂંકી અને લાંબી બહેરનો સમન્વય કરીને પણ ગઝલ લખે છે. અહીં ‘ક્લિક’ અને ‘હલકારા’ કૉમ્યુનિકેશનની પરિભાષાનું પણ સરસ સાયુજ્ય રચે છે.
હૃદયનું ખોરડું નાનું
બધા અક્ષર પરત લૈ નાથ મુજને ફક્ત ઢાઈ દે

અંગ્રેજી કાફિયાના પ્રયોગની વાત થાય કે ગિરીશ મકવાણાનો શેર યાદ આવ્યા વિના ન રહે.
તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે

તો ટૂંકી અને લાંબી બહેરના સમન્વયની વાત થાય કે શ્યામ સાધુ યાદ આવે.
આવ મારા રેશમી દિવસોના કારણ
જિંદગી જેને કહે છે તે અહીં ઠેબે ચડી છે.

એવું નથી કે આવા પ્રયોગો અગાઉ નથી થયા, પરંતુ નીરજભાઈ અહીં કાફિયાની સાથેસાથે રદીફ પણ અંગ્રેજીમાં નિભાવે છે તેમજ ટૂંકી અને લાંબી બહેરનો સમન્વય કરે છે. આમ, પ્રયોગથી આગળ જવાનું તાકે છે અને એટલે જ એક ગઝલમાં કવિ ઊલા અને સાની મિસરામાં સ્વતંત્ર રદીફ-કાફિયા ધરાવતા મિસરા લઈને આગવી ગઝલ રચે છે.

દ્વાર સાથે સગપણો પૂછો નહીં
બાંધવા ક્યાં તોરણો નક્કી કરો
આવશે શું તારણો પૂછો નહીં
સૌપ્રથમ તો એરણો નક્કી કરો

તો, ક્યાંક કાફિયા સર્જવા માટે સ-રસ ભાષાકર્મ પણ કરી જાણે છે.
તને આપી શકું એવું કશું બાકી બચ્યું છે ક્યાં?
છતાં એ વાતને અટકળવટો આપી નથી શકતો

અહીં ‘વાદળવટો’, ‘કાગળવટો’ એવા કાફિયાનું નાવીન્ય ધ્યાન ખેંચે છે. આ બધા તો માત્ર હાથવગા ઉદાહરણ. કહેવાનું તાત્પર્ય એટલું કે આ કવિ ક્યાંક પ્રયોગશીલ છે, તો ક્યાંક પરંપરાના વંશજ. ક્યાંક તેમની ભીતરી જણસનો લ્હાવો લૂંટાવે છે, તો ક્યાંક રોજબરોજનું ભાવસંવેદન. ક્યાંક એ અધ્યાત્મની ઊંચાઈને સર કરવા ઊંચો કૂદકો મારે છે, તો ક્યાંક પ્રણયભીના સંવેદનોમાં ઊંડી ડૂબકી લગાવે છે. આ બધા કાવ્યકરતબ માટે તેઓ લાંબી-મધ્યમ-ટૂંકી બહેરનો ઉપયોગ કરે છે. અહીં માત્ર ભાવ-સંવેદનનું વૈવિધ્ય નથી મળતું, છંદ વૈવિધ્ય અને પ્રયોગો પણ જોવા મળે છે. પ્રથમ સંગ્રહમાં જ આટઆટલું આપવા બદલ ભાઈ નીરજને અભિનંદન.

કવિનો ‘પ્રણયગરાસ’ પણ નોખો-અનોખો છે. આ પ્રણયસંવેદનો જુઓ.
કોઇ નમણા હાથનું ધન લઇ ફરું છું
રોજ ગજવામાં જ કંગન લઇ ફરું છું
*
કહી દેવું માત્ર એમ – ‘તને પ્રેમ કરું છું’
એ વાક્યને ઝાઝું બધું શણગારવાનું નહિ

અહીં ‘કંગન’ જેવો હિન્દી શબ્દ ‘દૂધમાં સાકર’ જેમ ઓગળી જાય છે અને સાવ ચલણી સિક્કા જેવો થઈ ગયેલું વાક્ય તને પ્રેમ કરું છું કવિ જે રીતે ખપમાં લે છે તે કહેવાની કળા જ આ કવિનો ભીતરી વૈભવ છે.

‘ગરાસ’ની મજા એ છે કે અહીં અનેક નવીન કાવ્યચિત્રો સર્જાયા છે. જ્યારે શેર કોઈ છબીની જેમ આંખો સામે આવી જાય ત્યારે ચિત્રાત્મકતા પણ દાદની હકદાર બને છે. એક ઉદાહરણ જુઓ.
આ દેહના વળાંકો ઢાંક્યા નથી ઢંકાતા,
શું ભૂલ સૂર્યની થઇ વાદળ પહેરવામાં.
*
પદ, પ્રતિષ્ઠા, નામ, પૈસા રાખ સઘળું તું હવે
હાથમાં છે દાંડિયો ‘ને મોઈ તો શું જોઇએ?

વાદળોને સૂર્યનાં વસ્ત્રો બનાવવાની કલ્પના કરીને ‘જ્યાં ન પહોંચે રવિ’ ત્યાં ’કવિ’ પહોંચી ગયા છે. વળી, દાંડિયો ને મોઈ લાવીને કવિ એક લુપ્ત થતા ગરાસનો મહિમા કરી જાણે છે.

વ્યંગ એ ગઝલકારોનો પ્રિય વિષય રહ્યો છે. સહજ જોવા મળતા વિષયને આ કવિ બખૂબી કટાક્ષ સાથે મૂકી આપે છે.
એક કમંડળ, એક લંગોટી, આસન-માળા એકૂકાં
જીવ સમું સઘળું સાચવનારા વૈરાગી જોયાં છે
*
તપ કરો છો બંધ રાખી આંખ કિંતુ
એક બારી તો ઉઘાડી હોત ભીતર
*
વધારે નમ્રતાથી આજ એ મળ્યા ‘નીરજ’
તરત આવી ગયેલી ગંધ- દ્રાક્ષ ખાટી છે
*
કોઇ દિવસ વૈરાગની વાત કરે નહિ પણ
સંતોને શરમાવે એવો માણસ છે

અહીં ‘દ્રાક્ષ ખાટી છે’ જેવા જાણીતા રૂઢિપ્રયોગને કવિએ જે રીતે ઓગાળી દીધો છે તે તેમનામાં રહેલા સાબૂત કવિની સાક્ષી પૂરે છે. આવી ભીતરી સૂક્ષ્મ સમજણો કવિ મંજાયેલા હોવાની પ્રતીતિ કરાવે છે.

ડૉ. નીરજ મહેતા આયુર્વેદ વિદ્યાશાખામાંથી આવે છે. જાણે-અજાણે કવિ પોતાના સર્જનમાં પોતાના તબીબવિશ્વમાં ડોકિયું કરાવે છે.
વાસ્તવિકતાની સૂંઘાડી શીશીઓ વારેઘડી
લાગણી બેભાન કરવાનું હવે ફાવી ગયું
*
લવણ, અમ્લ, તિક્ત, મિષ્ટ, બનાવ્યું
જીવન ખરે જ ઈષ્ટ બનાવ્યું
*
ઘણું ઊંડે સુધી જઇ શબ્દનું પણ મૂળ કાઢ્યું છે
મળ્યું ઓસડિયું અદકેરું ગઝલ ઘોળીને પિવડાવો
*
ગળ્યું ખાવાની ચોખ્ખી ના તબીબ પાડે છે
મને એ વાતનો આનંદ- દ્રાક્ષ ખાટી છે

છંદ, કાફિયા, રદીફ અને ભાવ – ઇત્યાદિના મિશ્રણથી ગઝલ લખવી સહેલી છે, પણ આ મિશ્રણ એકમેકમાં ઓગળી જાય તેવી રીતે ગઝલ સર્જવી અઘરી છે. ગઝલલેખન અને ગઝલસર્જન વચ્ચે આ જ સૂક્ષ્મ તફાવત છે. સર્જનમાં કવિનો આયાસ ઓગળી જાય તો જ મજા આવે છે. આટઆટલી મથામણ કરવા છતાં અહીં પણ થોડી જગાએ કવિનો આયાસ ઊડીને આંખે વળગે છે. ભવિષ્યમાં આવા આયાસનો પ્રયાસ કવિ ન કરે એટલે જ તે તરફ ધ્યાન દોરવું યોગ્ય લાગે છે.
આમ તો ખુદ ભાઈ નીરજ કહે છે.
જો ન ઝીલી શકું બરાબર હું
આ ગઝલમાં પ્રયાસ દેખાશે

અહીં આવી ઝીલી ન શકાયાની ઘટનાઓ પણ છે, એનો અર્થ એ નથી કે કવિ ખીલી નથી શક્યા. ઘણી વાર કાફિયામોહ કે કૃતિમોહ આવું સ્ખલન કરાવે છે. આવી બે-ચાર જગાઓ જોઈએ.
બાવળની શૂળમાં,
અથવા ત્રિશૂળમાં.

અહીં કવિએ કાફિયાની પ્રતિજ્ઞામાં શૂળ છે, પરંતુ પછીના તમામ શેરમાં આ પ્રતિજ્ઞા જળવાઈ નથી અને આ રીતે વાદી’નો દોષ જન્મે છે.
છે રહસ્યો સૌ છુપાયા ખોળિયાની ભીતરે
બાહરે દીવો કરો મા, ડૂબકી મારી જુઓ
શ્વેત કાગળની સપાટી છે મનોહર તે છતાં
કોક દિ’ આ અક્ષરોમાં, ડૂબકી મારી જુઓ

ઉપરોક્ત ગઝલમાં પણ ‘...મા ડૂબકી મારી જુઓ’ રદીફ છે. અહીં ‘મા’ એ ‘નહીં’ના અર્થમાં છે, જે સ્વયં સ્પષ્ટ છે. અંતિમ શેરમાં રદીફ કાફિયાનો ભાગ બની જાય છે, એટલું જ નહીં તેનો અર્થ પણ બદલાઈ જાય છે. આમ, ‘સંબંધી’નો દોષ ઊભો થાય છે. ક્યાંક કવિ શેર કહેવા માટે શબ્દોના ક્રમ સાથે પણ છેડછાની કરે છે.
વાદળોના ગોઠવ્યા પથ્થર હશે ઊંચાઈ પર
આપણી જીજીવિષાનું ઘર હશે ઊંચાઈ પર

અહીં જોઈ શકાય છે કે કવિને ‘વાદળોના પથ્થર ગોઠવ્યા હશે’ એમ કહેવું છે, પણ ‘પથ્થર’ કાફિયા બને તે માટે આમ કરવું પડે છે. ખૈર, મથામણ ક્યાં નથી હોતી. મથામણ વિના કાવ્યસર્જંન શક્ય જ નથી. જેટલી મથામણ સંતાડી શકો તેટલું સર્જન સારું. ‘થીંગડું ઊખડી ગયું’, ‘ટ્રેઇનની બારી બહાર’ જેવી રદીફ આશ્ચર્યચક્તિ કરે છે એટલું જ. વળી, ‘એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું’ કે ‘ન્હોતું, તને મંજૂર ન્હોતું, મને મંજૂર ન્હોતું’ જેવી દીર્ઘ રદીફો જાળવવાનો આયાસ કવિથી પણ અછાનો નહીં હોય. તો ક્યાંક લાંબી રદીફ અને દીર્ઘ બહેરમાં પણ તેઓ ચમત્કૃતિ જન્માવે છે, તે સુખદ છે.
સ્પર્શ્યા વિના, તરસ્યા વિના પણ કેટલો લાંબો સમય એ વૃક્ષ નીચે આપણે ગાળ્યો હતો
એવું હવે સગપણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ
*
જોઉં, સૂંઘું, સ્પર્શું, ચાખું, સાંભળવા આયાસ કરું પણ નિષ્ફળ સઘળું
રૂપ, શબદ ના સ્પર્શ મિલનમાં લગરીકે રસ, ગંધ કહો મળવું શી રીતે?

સામાન્ય રીતે ‘ગરાસ’ શબ્દ ‘કોળિયા’ના અર્થમાં વપરાય છે અને તે શબ્દ ‘ગુજરાન’ એવું સૂચવે છે. આ ‘ગરાસ’ કવિ નીરજ મહેતાનો છે. કવિએ પોતાનો ‘ગરાસ’ બહુ સમજી વિચારીને સાહિત્યપ્રેમીઓ સમક્ષ ખુલ્લો મૂક્યો છે. કવિ કહે છે
એમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું હતું
આપણે તો આ નગરને વાંચતું કરવું હતું
*
ભરચક શબ્દો ધારે કોઈ
કોઈ માને ખાલી જગ્યા
મારા નામે હૉલ ખચાખચ
મારા સ્થાને ખાલી જગ્યા
*
ખુલ્લાં પુસ્તક જેવો થઇને વંચાયો છું
તેમ છતાં હું કોઈને ક્યાં સમજાયો છું

કવિ શબ્દોના માહાત્મ્યથી અવગત છે અને એટલે જ આવું કહી શક્યા છે. એક ભાવક તરીકે 81 ગઝલોના આ આગવા ‘ગરાસ’માંથી પસાર થયા બાદ એવું તો ચોક્કસપણે કહી શકાય છે કે કવિનો આ ‘ગરાસ’ કવિનો ન બની રહે અને ગુજરાતી ગઝલસાહિત્યમાં એક અલગ મુકામ સુધીની સફર કરીને સહુ કોઈનો ‘ગરાસ’ બની રહે એવી શુભ કામનાઓ.

23 ઓગસ્ટ, 2014


0 comments


Leave comment