1 - સંગ્રહપ્રવેશ / ગરાસ / સંજુ વાળા


આજની ગુજરાતી ગઝલ સાહસિક ગઝલ છે. કવિતાએ કરવા જેવા ઘણાં સાહસ એ ગતિશીલ છે. મથામણ આજની ગઝલનો સ્થાયીભાવ અને યથાતથ સ્વરૂપમાં આંતરવસ્તુનો વિસ્તાર એનું લક્ષ્ય છે. છંદ-રદીફ-કાફિયાથી તરત હાથવગું માળખું, ભાવ-ભાષા-અભિવ્યક્તિમાં નવસંધાનરીતિ નહીં સાધે કે વણખેડી ભોં નહીં ભાંગે ત્યાં સુધી માત્ર સ્વરૂપ જ હાથ લાધશે. આજના કવિએ ઉત્તમ રૂપનિર્મિતિ માટે ભાષામાં ખાંખાખોળા કરતાં રહી અડાબીડમાં કેડી આંકવાની છે. એટલે અલ્પ સંખ્યકો માટે અતિ અલ્પ સંખ્યકોનું સાહસ અને મથામણ.

નીરજ અને એના સમકાલીન સેંકડો નવોદિતોમાંથી થોડાકમાં આ તરવરાટ-ધગશ-આવેશ-ઉશ્કેરાટ અને ઉત્કંઠા દેખાય છે. પરંતુ ક્યાંક તો છે, એ આશ્વાસન અને આવનારા સમયની પ્રતીક્ષા પણ.

નીરજની કવિતા અનેક સ્તરીય પ્રશ્નો અને તે પછીથી સતત આરંભાતી શોધની કવિતા છે. કવિને જીવન અને જગતના હોવાપણા, કાર્યકારણ, અવસ્થા અને વ્યવસ્થા સામે વિમાસણ છે. એમાંથી સધિયારો મેળવવાની પોતીકી વિચારણા પણ છે. અહીં ગઝલનાં ફોર્મમાં, ભાષા અને નિરૂપણરીતિઓમાં આ કવિ પ્રયોગ કરે છે તો થતાં પ્રયોગ સામે સાશંક પણ છે. એટલે એ વિસ્મયની કવિતા તો છે પણ કવિતાના વિસ્મય તરફ એની દ્રષ્ટિ છે. એનો સાચો પરિચય થશે ત્યારે શબ્દ અનોખો ભાવસંદર્ભ અને ભાષાનિયોજનથી ઊઘડી આવશે.

આ કવિની કાવ્યનિયતમાં ઉઘડતો સ્વકીય 'ગરાસ' ગુજરાતી કવિતાસમગ્રની નિયતમાં પણ ઉઘડે એવી સુકામનાઓ સાથે કવિનું સ્વાગત અને અભિનંદન.

૩૦ ઓગસ્ટ ૨૦૧૪
રાજકોટ


0 comments


Leave comment