1 - જીભ થોડી ખટમધુર, થોડીક તૂરી રાખવી / નીરજ મહેતા


જીભ થોડી ખટમધુર, થોડીક તૂરી રાખવી
એમ થોડું છે? બધાની જી-હજૂરી રાખવી...

કાં બધું સારું કે નરસું સમ રહી સ્વીકારવું
કાં બધાને અવગણી હાલત ફિતૂરી રાખવી

હા, ઝરે તણખાય જો સામીપ્ય પણ હદથી વધે
ના દઝાડે સ્પર્શ એથી સહેજ દૂરી રાખવી

આખરી દીવાસળીથી પત્ર સળગાવી દીધાં
કોઈ જૂની યાદ પણ શું બિનજરૂરી રાખવી

પૂર્ણ તત્પરતાથી એની વાત સૌ કરવી કબૂલ
આપણે બસ આપણી ઈચ્છા ઢબૂરી રાખવી

શબ્દસૃષ્ટિ


0 comments


Leave comment