૫ અજવાળામાં તું માને છે ધ્રુવતારામાં હું માનું છું / નીરજ મહેતા


અજવાળામાં તું માને છે ધ્રુવતારામાં હું માનું છું
સાવ દયામાં તું માને છે સધિયારામાં હું માનું છું

બોલ ભલે ના આખો ઉત્તર ચાહે મૌન ભલે બેસે તું
પણ કમસે કમ હોંકારો દે હોંકારામાં હું માનું છું

આષાઢી સ્મરણો વીંટળાશે મારી જેમ જ એ પાર તને
તું વાદળને સંદેશો દે જલધારામાં હું માનું છું

કર કૈંક અલગ ‘ને કૈંક નવું ચીલો ચાતર તું પોતાનો
અવતાર થશે એ અટકળ છે જન્મારામાં હું માનું છું

ચાખું, સૂંઘું, જોઉં, સ્પર્શું, માણું છું હું; તું ધ્યાન ધરે
તું નાદ અનાહત સાંભળજે કેદારામાં હું માનું છું

મારી ઉર્મિનો ઉમળકો મોકલવા દે મારી રીતે
તું ક્લિક કરી ઈ-મેઇલ કરે હલકારામાં હું માનું છું

જન્મોના જન્મો સાથે રહેવાની વાતોય કબૂલ મને
પણ જો સંગાથ ઉજવવો હો પલકારામાં હું માનું છું

અંદરથી એ આદેશ કરે હું તો બસ એ જ કરું ‘નીરજ’
તું ઈશ્વર-અલ્લા જાપે છે તો મારામાં હું માનું છું

કવિલોક