૮ અડાબીડ ઘોર અંધારું ક્ષણોમાં વ્હેરી આવ્યો છું / નીરજ મહેતા


અડાબીડ ઘોર અંધારું ક્ષણોમાં વ્હેરી આવ્યો છું
હું સૂરજ નામના પંખીની પાંખો પહેરી આવ્યો છું

ન ખાલી શબ્દ છુટ્ટેહાથ મબલક વેરી આવ્યો છું
અનેરાં અર્થ સાથોસાથમાં ઉછેરી આવ્યો છું

સુખનવરની સભામાં લઇ ગઝલ અદકેરી આવ્યો છું
તખલ્લુસ તો નથી મારો જ હું નામેરી આવ્યો છું

ઉનાળો આવતાં પાછો તમારી શેરીએ આવ્યો
હું ગરમાળો છું, તડકાઓની લઇને ફેરી આવ્યો છું

મળ્યો છે એક ‘હું’ સજ્જડ હયાતી સાથે ચોંટેલો
નહીંતર કેટલુંયે રાહમાં ખંખેરી આવ્યો છું

બધાની આશ ‘નીરજ’ સર્વદા જીવંત રાખું છું
બધાંયે વાદળામાં કોર થઇ રૂપેરી આવ્યો છું

(અખંડાનંદ)0 comments