10 - ગામડે પાછા જવામાં છેતરાઈ જાઉં છું / નીરજ મહેતા


ગામડે પાછા જવામાં છેતરાઈ જાઉં છું
પાદરે પગ મૂકતાં હું ખેતરાઈ જાઉં છું

સાવ ઊતરડાય છે મારાપણાનો અંચળો
સોય-દોરો થૈ મળો- કે વેતરાઈ જાઉં છું

હૂંફને હિંચોળવાના એ સમયની યાદમાં
સીમથી શેઢા સુધીમાં તેતરાઈ જાઉં છું

સ્કૂલ સામે લીમડા પર પાકી લીંબોળી ફરી
હાથમાં સટ્ટાક કરતો નેતરાઈ જાઉં છું

એ જ વિસ્મય આંખમાં અડબાઉ ઊગી જાય છે
કોઇ જૂદાં વિશ્વમાં સંપેતરાઈ જાઉં છું


0 comments


Leave comment