39 - જન્મારો ગયો / હરજીવન દાફડા


રોજનાં રમખાણમાં આખોય જન્મારો ગયો,
કેવી રે ! અણજાણમાં આખોય જન્મારો ગયો.

ના હજી પાછો ફર્યો અંદર ગયેલો આદમી,
ઊંડી ઊંડી ખાણમાં આખોય જન્મારો ગયો.

એક ડગલું જાતરા આગળ વધારી ના શક્યા,
રાતના રોકાણમાં આખોય જન્મારો ગયો.

ક્યાંય દાંડી પીટનારા હાથ દેખાયા નહીં,
ઢોલના પોલાણમાં આખોય જન્મારો ગયો.

પોતપોતાનો ઉતારો શોધવા આવ્યા હતા,
કૈંક ખેંચાતાણમાં આખોય જન્મારો ગયો.


0 comments


Leave comment