11 - ખુલ્યાં દુવાર રણકી ભોગળ કહેરવામાં / નીરજ મહેતા


ખુલ્યાં દુવાર રણકી ભોગળ કહેરવામાં
મોડું કરો ન સાધો ! શ્રીફળ વધેરવામાં

પારા સમાન ચંચળ, ઝડપી ઉજાસથી પણ
મન મારમાર દોડે નિષ્ફળ ઠહેરવામાં

છે એક આ પ્રતીક્ષા બીજું હૃદય અમારું
જેને મજા પડે છે અટકળ ઉછેરવામાં

આ દેહના વળાંકો ઢાંક્યા નથી ઢંકાતા
શું ભૂલ સૂર્યની થઇ વાદળ પહેરવામાં

આખીય જિંદગીને કાપી, ઘસી, મઠારી
ઈશ્વર ગયો છે થાકી એક પળ વહેરવામાં

જો એટલી તિતિક્ષા ‘નીરજ’માં હોત સાચ્ચે
તો તો જતે સમાઈ કાગળ ન ટેરવામાં ?

(નિસ્યંદન)


0 comments


Leave comment