12 - હર જગાએ એમ મારા સંસ્મરણ સ્થાપું છું હું / નીરજ મેહતા


હર જગાએ એમ મારા સંસ્મરણ સ્થાપું છું હું
ફૂલ અદકેરાં ઉછેરું જ્યાં ચરણ સ્થાપું છું હું

બાળ જે તન્મય બની પયઃપાન કરતું હોય છે
એમ મારી જીભ ઉપર વ્યાકરણ સ્થાપું છું હું

વૃક્ષ વાવું છું- વસે છે કૃષ્ણ મારામાં કશે
ધ્રૂજતા હાથે ધરા પર આવરણ સ્થાપું છું હું

ડાયરી સળગાવવી એ પણ નવી શરૂઆત છે
જિન્દગીના પૃષ્ઠમાં નવસંસ્કરણ સ્થાપું છું હું

છે ખબર કોઈ દિવસ ત્યાં કાંઇ ઊગવાનું નથી
યાદના ખેતર વચોવચ વિસ્મરણ સ્થાપું છું હું

(કવિલોક)


0 comments


Leave comment