16 - પ્રેમ વાંચ્યો તો નજરમાં ને અભણ થઇને રહ્યા / નીરજ મહેતા


પ્રેમ વાંચ્યો તો નજરમાં ને અભણ થઇને રહ્યા
પાંખની તાકાત છે - તોયે ચરણ થઇને રહ્યા

એ નથી તોયે મહેક છે એમની મારી સમીપ
દૂર ક્યાં છે ? શ્વાસમાં વાતાવરણ થઇને રહ્યાં

ખૂબ યત્નોથી નજરની સરહદે રોક્યાં હતાં
સ્વપ્ન મારી આંખ ભીતર જાગરણ થઇને રહ્યાં

એ કદી કહેશે, વિચારી રાહમાં બેસી રહ્યો
ને અધર એના અજાણી મૂંઝવણ થઇને રહ્યા

દોષ કોને આપવો ? મારી જ નાદાની હતી
જે કદી સાથે હતાં, આજે સ્મરણ થઇને રહ્યાં

(ગઝલ ગરિમા)


0 comments


Leave comment