17 - માત્ર આરંભ કે ન અંત વિચાર / નીરજ મહેતા


માત્ર આરંભ કે ન અંત વિચાર
કેમ રહેવું સતત જ્વલંત ? વિચાર

જેમ જાઓ સમીપ : દૂર થવાય
ક્યાં ખરેખર હશે દિગંત ? વિચાર

એ ગઝલના સ્વરૂપમાંય મળે જ
થૈ શકે એમ મૂર્તિમંત વિચાર

આમ જ્યાં-ત્યાં ન તારું શીશ નમાવ
આપણામાંય હોય સંત – વિચાર

સાવ છેડો સમૂળગોય ન ફાડ
કેમ પકડી શકાય તંત... વિચાર

માત્ર ટપકું જ ઈશ હોય કદાચ
શૂન્ય છે કે હશે અનંત ? વિચાર

દેહ બાળ્યા છતાંય શેષ રહે
ના, નથી શક્ય, નાશવંત વિચાર

(નિસ્યંદન)


0 comments


Leave comment