18 - કોઇ જર્જર પૂલની દીવાલ ફાડીને ઊગેલા પીપળાનું પાન છું / નીરજ મહેતા


કોઇ જર્જર પૂલની દીવાલ ફાડીને ઊગેલા પીપળાનું પાન છું
કોઇ વાહન આવતાં શોષે ધ્રૂજારી મૂળ જે એનું અનુસંધાન છું

છું કથા સેવાથી આનંદિત ઋષિની ષોડષીને મંત્રનું વરદાન છું
છું કુતૂહલ સૂર્યને આમંત્રવાનું, વિશ્વપોષક અર્કનું ઓધાન છું

આ તરફ કોઇ કરે પૂજા કરે અર્ચન કરે છે કોઇ સજદો એ તરફ
આ તરફ ગૂગળમાં ગચકાંબોળ છું ‘ને એ તરફથી હૂબહૂ લોબાન છું

આમથી શીખો કશું જૂદું જ મળશે આમથી જો શીખશો તોયે અલગ
આમ વ્યવહારો મળ્યા છે પાશવી ‘ને આમ આખું સંસ્કૃતિસંસ્થાન છું

ના, નથી ભીતર કશું નક્કર ન એનો અર્થ એવો કાઢ છું ફુગ્ગા સમો
ના, નથી તલવાર જેવો તીક્ષ્ણ કિંતુ તીક્ષ્ણતાને સાચવે એ મ્યાન છું

હું જ સારા ‘ને નઠારા કેટલાં ટુકડા મળી બનતી કોઇ જિગ્સૉ-પઝલ
હું જ રેશમથી વધુ રમણીય છું ‘ને હું જ મેલું ફાટલું કંતાન છું

(ગઝલવિશ્વ)


0 comments


Leave comment