19 - ક્ષણો બેબાકળી લઇને જવું તો ક્યાં જવું બોલો ? / નીરજ મહેતા


ક્ષણો બેબાકળી લઇને જવું તો ક્યાં જવું બોલો ?
વિરહઘેલી ફળી લઇને જવું તો ક્યાં જવું બોલો ?

નગારું હોત તો પીટાત ઢંઢેરો નગરમધ્યે
મધૂરી વાંસળી લઇને જવું તો ક્યાં જવું બોલો ?

અંધારૂંઘોર છે ‘ને તેલ નામે કૈં બચ્યું છે ક્યાં
ફકત દીવાસળી લઇને જવું તો ક્યાં જવું બોલો ?

મળી જો હોત છાતી તો કદી ખેલાત યુદ્ધો પણ
તૂટેલી પાંસળી લઇને જવું તો ક્યાં જવું બોલો ?

ધર્યો છે મૂળથી અંગુષ્ઠ ઉચ્છેદીને તવચરણે
હવે આ આંગળી લઇને જવું તો ક્યાં જવું બોલો ?

હયાતી હોત સાકર તો કદાચિત ઓગળી શકતે
ભરેલી તાંસળી લઇને જવું તો ક્યાં જવું બોલો ?

હવે આ દેહને છોડી જવામાં શાણપણ સાચું
કનડતી કાંચળી લઇને જવું તો ક્યાં જવું બોલો ?

(ગઝલવિશ્વ)


0 comments


Leave comment