20 - ક્યાં ખરો છે નિવાસ ? દેખાશે / નીરજ મહેતાક્યાં ખરો છે નિવાસ ? દેખાશે
આંખ મીંચો ઉજાસ દેખાશે

વસ્ત્રનો છે વિલાસ દેખાશે
સત્ય સમજો - કપાસ દેખાશે

દૃશ્ય સૂંઘી શકો અગર આખું
તો જ સાચી સુવાસ દેખાશે

એકલી સાંજને બધા રસ્તા
એકસરખા ઉદાસ દેખાશે

જો ન ઝીલી શકું બરાબર હું
આ ગઝલમાં પ્રયાસ દેખાશે

હાથને બાળવા હશે તત્પર
એમને દિવ્ય રાસ દેખાશે

એ ન હો તોય હોય છે ‘નીરજ’
આપણી આસપાસ દેખાશે


0 comments


Leave comment