22 - નદીના વ્હેણમાં ક્ષણનો તરાપો મૂકતા જાશું / નીરજ મહેતા


નદીના વ્હેણમાં ક્ષણનો તરાપો મૂકતા જાશું
તમારી આર્દ્ર આંખોમાં ઝુરાપો મૂકતા જાશું

જશું પણ બહાર અધ્યાહાર વ્યાપો મૂકતા જાશું
અવાશે પાછું...અધખૂલેલ ઝાંપો મૂકતા જાશું

તમે જ્યાં કોઇ ‘દિ શોધો ન એવા ગુપ્ત ખૂણામાં
જતનથી સાચવી અણકથ ઉતાપો મૂકતા જાશું

ભલે ઘર વીછળી નાખો છતાં ના યાદ ધોવાશે
કણેકણમાં અમારપના કલાપો મૂકતા જાશું

સ્મરણનો સૂર્ય મૂકી કાષ્ઠપેટીમાં વહાવીશું
હૃદય પર ના રુઝાતો એક કાપો મૂકતા જાશું

(નિસ્યંદન)


0 comments


Leave comment