43 - ઘરનું મમત્વ / હરજીવન દાફડા


ચાહે ચરણ તો બંધન તોડી બતાવશું,
સહેજે સમસ્ત લોકમાં દોડી બતાવશું.

શરમાં જ લક્ષ્યવેધનો નિર્ધાર છે ભર્યો,
આંખોય અંધકારની ફોડી બતાવશું.

તોતિંગ લોહ - કાળની દુર્ગમ દીવાલમાં,
ખીલો સ્વયંના નામનો ખોડી બતાવશું.

સંબંધના કંઈ તાંતણા તોડ્યા કરો તમે,
કેવળ કલમની ટાંકથી જોડી બતાવશું.

ઘરમાં જ રહીએ તે છતાં મનમાં રહે ન ઘર,
ઘરનું મમત્વ એ રીતે છોડી બતાવશું.


0 comments


Leave comment