46 - અટકી ગયું / હરજીવન દાફડા


મેરના મણકે રટણ અટકી ગયું,
બે ઘડી મનનું ભ્રમણ અટકી ગયું.

તોય પંડિતાઈ ના અટકે હજી,
પીઠ પાછળ આચરણ અટકી ગયું.

કેમ અનુભવની કથા આગળ લખું ?
શબ્દનું જ્યાં અવતરણ અટકી ગયું.

ઝાંઝવાનો અર્થ સમજાયો હશે ?
કે પછી અમથું હરણ અટકી ગયું !

પાંસળી નીચે કશી હલચલ નથી,
શ્વાસ લેવાનું વલણ અટકી ગયું ?


0 comments


Leave comment