૪ અગાધ, વિશાળ ને ઊંડી આતમવાણી / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


       ભજનોની લોકવાણીને શ્રી મેઘાણીભાઈ ‘સાયર સમી અગાધ અને સુવિશાળ’(‘છેલ્લું પ્રયાણ’ પૃ.૧૩૧) જેવા શબ્દોથી નવાજે છે. એમાં તત્વચિંતન અને દર્શનનું જે સરળ રૂપાંતર થયું હોય છે, જે અપાર આત્મીયતા બંધાઈ હોય છે એમાંથી જ ભજનિક-સંતનાં જીવન અને અધ્યાત્મની વાણી અને વર્તનની તથા હ્રદયને વીંધી નાંખે તેવી સચોટ નાજુક કાવ્યગૂંથણી ઊપસતી આવી હોય છે.

       કોઈ એકમાત્ર પંથનો જ પ્રચાર કરવા ખાતર ‘સંતવાણી’ની રચના નથી થઈ હોતી. એમાં કોઈ એક જ દેવની સ્તુતિ કે નિંદા નથી, ઊંચનીચની ભાવના કે જાતિભેદ નથી એમાં તો છે હરિ-ગુરુ-સંત વચ્ચે અભેદની ભાવના. બાહ્ય આડંબરોનો વિરોધ કરીને માનવીની આંતરિક ચેતના જગાવવાના પ્રયાસરૂપ જે શબ્દબ્રહ્મની આરાધના આપણા સંતો-ભજનિકોએ કરી અને એ સાધનાની સિદ્ધિરૂપે જે અમૂલ્ય રત્નો સમી ‘વાણી’નો કૃપાપ્રસાદ એમને સાંપડ્યો એ જ આપણું ‘ભજનસાહિત્ય’.....