23 - ત્યારે હતી એ ક્ષણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ / નીરજ મહેતા


ત્યારે હતી એ ક્ષણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ
હું, તું ‘ને વાતો ત્રણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ

વ્હેલી સવારે ભાવથી ભરપૂર તું મળવા મને પહોંચી જતી અધીરાઇ લૈને દોડતી
પગમાં હવે રણઝણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ

સ્પર્શ્યા વિના, તરસ્યા વિના પણ કેટલો લાંબો સમય એ વૃક્ષ નીચે આપણે ગાળ્યો હતો
એવું હવે સગપણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ

રંગો ભરીને હાથમાં આવ્યો ખરો પણ માત્ર આંખોથી તને રંગી હતી, એ યાદ છે ?
રંગો નથી, ફાગણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ

વરસાદમાં ઘૂંટણ સુધી પાણી હતું તોયે મળ્યા’તા ને નિહાળ્યા એકબીજાને સતત
એવીય અણસમજણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ

હા, આપણા સંબંધની સાક્ષી પૂરાવે લીમડાની ગળચટી મીઠી નજર આજેય પણ
ત્યાં એક ગમતું જણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ


0 comments


Leave comment