૩૦ વાદળોના ગોઠવ્યા પથ્થર હશે ઊંચાઈ પર / નીરજ મહેતા


વાદળોના ગોઠવ્યા પથ્થર હશે ઊંચાઈ પર
આપણી જીજીવિષાનું ઘર હશે ઊંચાઈ પર

એમ તો આ પંખીઓ અમથા જ ના ઊડ્યા કરે
ક્યાંક મીઠી વાગતી ઝાલર હશે ઊંચાઈ પર

પાંખ ફૂટે છે હવે મારાપણાના મત્સ્યને
જળ નહીં તો મ્હેકનો સાગર હશે ઊંચાઈ પર

મેં નજર નીચી જ રાખી તું નિહાળે આભમાં
એટલું નક્કી કે મારું સ્તર હશે ઊંચાઈ પર

રોડ પર ભિક્ષુની કોઈ આંખ લૂછીને ગયું
કેમ તેં માની લીધું ઈશ્વર હશે ઊંચાઈ પર

આભથી અધ્ધર રહીને ધૂળની વાંચો ગઝલ
જાણવું ત્યારે જ આ અક્ષર હશે ઊંચાઈ પર

(શહીદેગઝલ)0 comments