29 - સમય કાયમ બધું માપીને બેઠો હોય છે / નીરજ મહેતા


સમય કાયમ બધું માપીને બેઠો હોય છે
બધા પર એ સતત ટાંપીને બેઠો હોય છે

ઘડીમાં બે ઘડીમાં શું થશે જાણે બધું
સમી છાતી ઉપર છાપીને બેઠો હોય છે

ક્ષણોના વારથી બચવા કશે રસ્તો નથી
ધરાથી નભ સુધી વ્યાપીને બેઠો હોય છે

જીવાતી જિન્દગીના નિર્ણયોના સામટા
બધા હક મોતને આપીને બેઠો હોય છે

કલેજું સાવ ઠંડુંગાર રાખી ચાલશે
ઘણાયે શ્વાસને કાપીને બેઠો હોય છે

કશુંપણ કોઇ માટે જામમાં વધવા ન દે
ક્ષણોના ઘૂંટ સઘળાં પીને બેઠો હોય છે

(છડીદાર)


0 comments


Leave comment