52 - તને ખ્યાલ ક્યાં છે ? / હરજીવન દાફડા


કાયમી એક સૂરજ ખરી જાય છે આભમાંથી તને ખ્યાલ ક્યાં છે ?
કિંમતી એક દિવસ સરી જાય છે આંખમાંથી તને ખ્યાલ ક્યાં છે ?

શ્વાસની પીઠ પંપાળવાના બધા પેંતરાઓ હવે મૂક પડતા,
માણસો કેટલાયે મરે છે ભર્યા ગામમાંથી તને ખ્યાલ ક્યાં છે ?

આંગણે રોજ આનંદ બેસી રહે એવી અણછાજતી માંગ ના કર,
પાન પીળાં પડીને ખરી જાય છે ડાળમાંથી તને ખ્યાલ ક્યાં છે ?

જીવવું કેમ એ જાણવામાં હજી આમથી તેમ તું આથડે છે,
કેમ સરકી ગયો કાળ સાબૂત બે હાથમાંથી તને ખ્યાલ ક્યાં છે ?

એક પળ જેટલા વીજ ઝબકારમાં ઓળખી લે તને આપમેળે,
એ જ રસ્તો હતો આવવા બહાર અંધારમાંથી તને ખ્યાલ ક્યાં છે?


0 comments


Leave comment