54 - કેવી રીતે ? / હરજીવન દાફડા


હરપળે સંભાળવું કેવી રીતે ?
શ્વાસનું ઘર પાળવું કેવી રીતે ?

તોય થોડા કાંકરા રહી જાય છે,
સાવ મનને ચાળવું કેવી રીતે ?

હાથમાં આવે નહીં દીવાસળી,
આ સદન અજવાળવું કેવી રીતે ?

તાડથી ઊંચું અહમનું ઝાડવું,
કોઈ બાજુ વાળવું કેવી રીતે ?

રાખમાં પણ યાદ ઊભી છે હજી,
ઘર સદંતર બાળવું કેવી રીતે ?


0 comments


Leave comment