57 - મન / હરજીવન દાફડા


કોઈના હાથે નહીં પકડાય મન,
આંગળી મૂકો ને ગાયબ થાય મન.

આ ચરણને હોય શું એની ખબર ?
કઈ પળે કોના તરફ લઇ જાય મન.

અર્થ દોડાદોડનો જાણી શકું,
ક્યાંક જો પળવાર પોરો ખાય મન.

દેહથી દુર્ગમ હતું જ્યાં પહોંચવું,
એ સ્થળે પળમાં જ પહોંચી જાય મન.

શક્ય છે સમજાય આખું વિશ્વ પણ,
કોઈને તલભાર ક્યાં સમજાય મન !


0 comments


Leave comment