59 - મારા શહેરમાં / હરજીવન દાફડા


આંખો ફરે છે બેબસ મારા શહેરમાં,
મળતો ન ક્યાંય માણસ મારા શહેરમાં.

લીલીચટાક ઘાસની ચાદર હટાવીને,
પેસી ગયો છે આરસ મારા શહેરમાં.

કાળી ડિબાંગ રાતનો ભડકો કરું હું કેમ ?
એવું ન કોઈ બાકસ મારા શહેરમાં.

સહેજેય કોઈ માનસ ચળકે છે ક્યાં હજી?
કેવળ ઘસાય કાનસ મારા શહેરમાં.

એકાદ વાલ જેટલું અંતર નડ્યા કરે,
અડકે ન ક્યાંય પારસ મારા શહેરમાં. 



0 comments


Leave comment