33 - આંખ સાવરણી ફરી આખાય ઘરમાં, એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું / નીરજ મહેતા


આંખ સાવરણી ફરી આખાય ઘરમાં, એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું
એક આંસુ આથડ્યું ભીની નજરમાં, એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું

બંધ પેટીમાં ભર્યા’તા યાદથી ભીના દિવસ ને રાત રૂપાળી બધીયે મેં કદી
પત્ર તારા જ્યાં લીધા મેં ભગ્ન કરમાં, એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું

હું ફર્યો તારા વિરહની કેડીઓ પર પીઢ સમજણની મુલાયમ કામળી ઓઢી છ્તાં
યાદ આવ્યું જે બન્યું કાચી ઉંમરમાં, એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું

માણવામાં પ્રેમનો આનંદ અવિરત હું રહ્યો રત એક દિ’ ઠેબે ચડી આ લાગણી
હું અચાનક પીડની કેફી અસરમાં, એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું

ભીંતમાં લૂણો બની એકાંત આખા ઓરડાને નિત્ય તાકે ‘ને કદી ખરતું રહે
ઘર ત્યજી ચાલ્યું ગયું કોઇ સફરમાં એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું

સૌમ્ય લીધા’તા વળાંકો ‘ને સુંવાળી રાહ પર એમ જ વહી આ જિંદગાની આમ તો
બિંબ પથ્થરનું પડ્યું જ્યાં કાચઘરમાં એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું

(વિ-વિદ્યાનગર)


0 comments


Leave comment