34 - ભેદની ભરમાર લઇને ઢોલિયે બેઠાં છીએ / નીરજ મહેતા


ભેદની ભરમાર લઇને ઢોલિયે બેઠાં છીએ
ભાન ભારોભાર લઇને ઢોલિયે બેઠાં છીએ

આગવો અંધાર લઇને ઢોલિયે બેઠાં છીએ
એટલો આધાર લઇને ઢોલિયે બેઠાં છીએ

રમ્ય રાત્રિ આવશે હમણાં જ સૂરજ ડૂબશે
ઊંઘનો ઓથાર લઇને ઢોલિયે બેઠાં છીએ

સ્વાર્થ એમાં કેટલો એ તો પછીની વાત છે
સત્યનો સ્વીકાર લઇને ઢોલિયે બેઠાં છીએ

ધ્વસ્ત આ ધબકાર હોવાનો ગમે ત્યાં હોઇએ
આંખમાં અંજાર લઇને ઢોલિયે બેઠાં છીએ

એટલે તો સાવ ખાલી ઢોલિયો ભાસે સતત
અર્થનો આકાર લઇને ઢોલિયે બેઠાં છીએ


0 comments


Leave comment