35 - શમણાંઓનાં પગલાં અડધી રાતે જાગી જોયાં છે / નીરજ મહેતા


શમણાંઓનાં પગલાં અડધી રાતે જાગી જોયાં છે
માચીસના અજવાળે અંધારાને તાગી જોયાં છે

રોજ નવેસર ભાવ નવા આ ચહેરે ટાંગી જોયાં છે
રોજ ફરી ચહેરા પરથી ચહેરાઓ ત્યાગી જોયાં છે

એક કમંડળ, એક લંગોટી, આસન-માળા એકૂકાં
જીવ સમું સઘળું સાચવનારા વૈરાગી જોયાં છે

ક્યારે કોની પાસેથી કૈ વસ્તુ મળશે ક્યાં નક્કી ?
મૃગજળ પાસે પણ ખપજોગાં આંસુ માંગી જોયાં છે

આંખોમાં વિસ્મય આંજીને ફરતાં બાળકનાં દૃશ્યો
ઉલ્લાસિત આંખોએ આંખોમાંથી ભાગી, જોયાં છે

અણછેદ્યું અણભેદ્યું એનું અજવાળું દેખાય નહીં
કોણ છીએ ? શા માટે આવ્યા? પ્રશ્નો દાગી જોયાં છે

એનાં આપેલાં શમણાં તૂટ્યાં છેએનું કારણ છે
નામ પામવા મેંય બધાં મોતીડાં ભાંગી જોયાં છે

(કવિલોક)


0 comments


Leave comment