36 - ઈચ્છશો તો આ જ ક્ષણથી જિંદગી જીતી શકો / નીરજ મહેતા


ઈચ્છશો તો આ જ ક્ષણથી જિંદગી જીતી શકો
શબ્દથી નહિ આચરણથી જિંદગી જીતી શકો

નામ છે પૂંજી, રટણથી જિંદગી જીતી શકો
જાપ અજપાના ચલણથી જિંદગી જીતી શકો

કેટલું, ક્યારે અને ક્યાં બોલવું? ધ્યાનાર્હ છે
ઉચ્ચરણના વ્યાકરણથી જિંદગી જીતી શકો

ત્યાગ કરવો હોય તો સૌ કાર્યને પૂરા કરો
ના મહાભિનિષ્ક્રમણથી જિંદગી જીતી શકો

કોણ સાચું? કોણ ખોટું? પ્રશ્ન એ હોતો નથી
માફ કરવાના વલણથી જિંદગી જીતી શકો

(ફિલીંગ્ઝ)


0 comments


Leave comment